Monday, October 24, 2005

સાઇબ, મારું કૉમ્પુટર ગાય ખાઇ ગઇ!

હું હમેશા કોઇપણ કામ છેલ્લી ઘડી સુધી છોડી દેવા ની કુટેવ નો ભોગ બનતો આવ્યો છું. આજે આટલા બધા વરસો નાં કડવા અને ક્યારેક હાસ્યાસ્પદ અને શરમજનક પ્રસંગો માં કેન્દ્રરૂપી ભૂમિકા ભજવવા છતાં હું સુઇધરો નથી. જો કે, જેમ મારી મમ્મી હંમેશા અમારા નિરાશાજનક પરિણામો પછી પાનો ચડાવવા કહે છે, તેમ “જાગ્યા ત્યાર થી સવાર” એમ કહીને હું પણ દર વખતે નક્કી કરુ છું કે “હવે આવુ કોઇ દિ નહિં થાવા દઉ!”

પ્રાથમિક શાળામાં શિક્ષકો ઘર કામ (home work) કરવા આપતા. હું બપોરે સ્કુલે થી આવ્યા પછી રાત સુધી કાંઇ નો’ કરતો અને પછી પરાણે ઘરકામ કરતો. જો ક્યારેક કામ કઇરા વગર નિશાળે જાવુ પડે તો પપ્પા કે મમ્મી દ્વારા લખેલી ચીઠ્ઠી લઇ જાતો: “અમારે ઘરે ગઇકાલે મહેમાન આવેલ હોવાથી ચિ. હિરેન ઘરકામ કરી શકેલ નથી તો, દરગુજર કરશો”! પપ્પા પાસે ચીઠ્ઠી લખાવવી સહેલી હતી. શિક્ષિકા મમ્મી થી બીક લાગતી. આજે મને શરમ થાય છે કે મારા લીધે parents ને કેવુ ખોટું બોલવુ પડતુ.

પણ હું એકલો નો’તો. ક્લાસ માં અમુક નંગ હતા જે અવનવા બહાના બનાવતા. સાવ irresponsible જવાબ રહેતો કે “સર, ભુલી ગ્યો!” બિચારા સાઇબ પણ શું ક્યે આવા વિદ્યાર્થી ને? જો કડક સ્વભાવ નાં સાઇબ કે બેન હોય તો “ખાતા (જમતાં) કેમ નથી ભુલી જાતો, નાલાયક?” એમ કહી ને અંગુઠા પકડીને ઉભો રાખે કાં હાથ માં ફૂટપટ્ટી મારે.

જેમ અમે મોટા થતા ગ્યા, એમ બહાના પણ increased બુદ્ધિ નાં પ્રભાવ હેઠળ આઇવા. આઠમા – નવમાં ધોરણ માં પ્રયોગપોથી કે નકશાપોથી છેલ્લે દિ’ સબમીટ નો’ કરી શકવાનું સૌથી લોકપ્રિય બહાનુ : “સર, પૂરી લઇખી ‘તી, પણ સાઇકલ નાં કૅરિયર માં ભરાઇવી ‘તી ત્યાં ગાય ખાઇ ગઇ!” ગાય નું સાઇકલ પર રાખેલાં પુસ્તકો કે ક્રિકેટ નાં રબ્બર નાં દડા ખાઇ જવુ અસામાન્ય નો’તુ ,પણ અમે ઇ બહાના નો જેટલો ઉપયોગ કરતા એટલુ સામાન્ય તો નો’તુ જ.

પણ પી.એચ.ડી માં એક્ઝામિનર સામે કઇ જાત નું બહાનુ બનાવવું? (એમાં શું? કહી દેવાનું, “Dr. XYZ, મેં મારા પ્રયોગો નાં પરિણામો અને એનું પ્રુથ્થકરણ તો કઇરુ ‘તુ પણ, ત્યાં મારુ કૉમ્પુટર crash થઇ ગ્યુ and I lost them. પ્લીઝ, મને પાસ કરી દ્યો!”) ત્યાં એકેય જાત નું બહાનુ નો’ હાલે, હિરેન બેટા! કેમ કે, જો બહાના જ બનાવવા હોત તો પી.એચ.ડી. ચાલુ જ કેમ કઇરુ?

Tuesday, October 18, 2005

વર્ગ "મૉનિટર"

આજે મારા એક લંગોટીયા ભાઇબંધ હારે ચૅટ કરતો’તો થોડીકવાર પહેલા. એક રમૂજી પ્રસંગ ને યાદ કઇરો.

અમે બેય એક જ હાઇસ્કુલ માં ભણતા’તા. જ્યારે નવા નવા આઠમા ધોરણ માં દાખલ થ્યા ત્યારે અમારા વર્ગશિક્ષકે કહ્યું કે મૉનિટર અને ઉપ-મૉનિટર (No, not deputy monitor; that’s Ginglish for you!) ની ચૂંટણી કરવી છે. આથી, હું, સદાકાળ સત્તા નો લાલચુ, ચૂંટણી નો’ લડુ ઇ કઇ રીતે બને? આથી કુલ 40 નાં વર્ગ માં 5 જણ ચૂંટણી માં ઉભા ર્‍યા. મને તો ઓલી અંકલેશ્વર વાળી કંપનીઓ વાળી વાત ની જેમ એમ જ થ્યુ કે આ બધાય મને જ મત દેવાના છે! મત ગણતરી પછી પરિણામ બૉર્ડ પર લખવામાં આવ્યા:

– 14, – 9, – 8, – 4, હિરેન – 3 (મતદાન : 38/40, 95 %)

હવે કરવું શું? “50% મત ન હોય ત્યા સુધી સરકાર નો’ રચી શકાય”, સાઇબ બોઇલા. કોઇ કે ને ટેકો આપવા તૈયાર નો થ્યુ. ને સિવાય બધાય ટેકો આપવા તૈયાર થ્યા. આથી, ને બહુમતી મઇળી એટલે ઇ થ્યો મૉનિટર અને સૌથી મોટો ટેકેદાર ઉપ-મૉનિટર. મારો આ ચૅટ વાળો ભાઇબંધ મશ્કરી કરીને ક્યે, “ એક મત તારો, એક મારો. તને ત્રીજો મત ક્યાં થી મળી ગ્યો!” હશે ભાઇ :(

એ જ દિવસે, બે ત્રણ પીરીયડ પછી કોઇ સાઇબ વર્ગ માં નો’તા. છોકરાંવ દેકારો કરતા’તા. અચાનક, ત્યાં થી પસાર થતા એક સાઇબ ઉપ-મૉનિટર ને વાતુ કરતા જોઇ ગ્યા અને આવીને એને મારવા મઇ’ન્ડા! કો’ ક દોઢ ડાહ્યો બોઇલો કે સર, ઇ તો મૉનિટર છે! સાઇબ ક્યે, “આવા મૉનિટર નો’ હાલે, કાઢો એને!” એટલે મુખ્ય મંત્રી ઉભો થ્યો. તક નો અહેસાસ થતાં જ મેં અને એ આંગળી ઉંચી કઇરી. ક્યે કે,”હું હિરેન ને ઉપ-મૉનિટર બનાવું છું!”. વાહ, મારા તો ભાઇગ ઉઘડી ગ્યા; જેને 10% મત નો’તા મઇળા, ઇ ઉપ-મૉનિટર :)

એટલે, આજે હું મારી બડાઇ કરતો’તો ઇ ભાઇબંધ સામે કે મને 3 મત મઇળા’તા તો ય ચૂંટણી નાં દિવસે જ મેં મંત્રી થઇ ને દેખાડ્યુ! ભાઇબંધ બોઇલો, “ઇ જ તો આપણા દેશ ની કમનસીબી છે કે જેની પાસે મતદાર નો ટેકો (વિશ્વાસ) નથી, એવા લોકો નેતા થઇ ને બેહી જાય છે”. How true!

Thursday, October 13, 2005

પલાયનવાદ સામે ની લડાઈ

ગઇકાલે એક અંતર ને ખુશ કરી દેતો, પણ દુઃખદ હકિકત નજર સામે લાવતો લેખ વાંચ્યો. દુઃખદ એટલા માટે કે હકિકત ને સ્વીકારવામાં ઘણો સમય બગડ્યો. તળપદી ભાષા માં એને આંખ આડા કાન કઇરા, એમ કે'વાય. મને જે તકો મઇળી ઇ મારા જેવા જ કરોડો બાળકો, યુવાનો ને નો’ મઇળી. આ લેખે ખુશ કઇરો કારણ કે, mail stream media માં પણ લોકો એ “પલાયન વાદ” સામે અવાજ ઉઠાવવાનું ચાલુ કઇરુ છે (ભારતીય બ્લૉગ જગત માં તો આ શુભકામ ચાલુ જ છે) અને અઃસહાય લોકો નાં પ્રશ્નો સામે આંઇખું બંધ કરવાનું બંધ કઇરુ છે.

લેખ લાંબો છે, પણ મારા મતે દરેક ભારતીય એ વાંચવો જ જોઇએ. લેખ અહિં (પ્રીન્ટ ફૉર્મૅટ) અથવા અહિં વાંચવા મળશે.

Tuesday, October 11, 2005

કાગડાઓ નો પ્રશ્ન

વધુ એક ભૂકંપ. આજે પણ મારી વૂડન ફ્લૉર વાળી લૅબોરૅટરી જ્યારે નીચલા માળે ચાલતા મશીન નાં લીધે ક્યારેક ધ્રુજે છે, ત્યારે ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ નાં દિ’ એ મારા મગજ માં છપાઇ ગ્યે’લી સ્મૃતિ ઉપસી આવે છે.

પણ મારે આજે એ ભયાનક અનુભવ યાદ નથી કરવો. પાકિસ્તાન અને ઉત્તર ભારત માં આવેલા ભૂકંપ ને ચાર દિ’ થ્યા. મીડીયા જણાવે છે કે અમુક ભાગો માં લૂંટફાટ ચાલુ થઇ ગઇ છે. આપણ ને આવા લોકો પ્રત્યે ઘૃણા પેદા થાય, એ સ્વાભાવિક છે.

આ દ્ર્શ્ય વિચારો. મોરબી જેવડા એક ગામ નાં હજારો ભુખ્યા, તરસ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાના બાળકો (અને વ્રુદ્ધો) ને લઇ ને એટલા જ ભુખ્યા, ઇજાગ્રસ્ત મા-બાપ હેલિપૅડ ઉપર ત્રણ દિ’ થી રાહ જોઇને એવી આશા માં બેઠા છે કે તેમનો વારો આવે અને આર્મી નું હેલિકૉપ્ટર તેમનાં સંતાન ને સારવાર માટે હૉસ્પિટલે લઇ જાય. આવા સંજોગો માં, એ જ ગામ નાં યુવાનો સારવાર ની રાહ જોતા માણસો ની તુટેલી દુકાનો અને ઘરો માં લૂંટફાટ કરીને જે હાથ માં આવે તે લઇ જાય છે. દુનિયા માં કોઇપણ માણસ ને આ વર્ણન કરવામાં આવે તો તેને આ નફ્ફટ યુવાનો પ્રત્યે ખીજ ચડવાની.

આવી ઘટના ખાલી પાકિસ્તાન માં નથી બનતી. અને એવું પણ નથી કે આવા લોકો હંમેશા મજબૂરી અને જરૂરિયાત નાં લીધે લૂંટ કરે છે. કટરિના સામે હારી ગ્યે’લુ ન્યુ ઓર્લિઅન્સ હોય કે કોમી તોફાનો માં સળગતુ આપણું અમદાવાદ કે પછી આવા જ તોફાનો માં સળગતા રવાન્ડા, નાઇજીરીયા કે લાઇબીરીયા; બધેય કાગડા જોવા મળે છે. આ બધાય કાગડા શું ખરેખર ભુખ્યા હોય છે? ના.

આપણે આ કાગડાઓ ની સંખ્યા ઘટાડવાની છે. પણ કેવી રીતે? એનો જવાબ માત્ર લોકો ની આર્થિક સદ્ધરતા કે conventional ભણતર માં તો નથી જ. આ જવાબ માણસ નાં લોભ, સ્વાર્થ અને એની સમાજ પ્રત્યે ની જવાબદારી ને આકાર આપતા જુદાજુદા ગૂઢ પરિબળો નાં મિશ્રણ સંતાયેલો છે. Which પરિબળો (factors) are primary variables?

Thursday, October 06, 2005

શાળા માં થી કોલેજ માં - ૧

મારી યુનિવર્સીટી માં નવુ સત્ર હમણાં જ ચાલુ થ્યુ છે એટલે રોજ નવા નવા વિદ્યાર્થીઓ જોવા મળે છે. એમને જોઇ ને મને થાય છે કે હું મારી યાદો તાજી કરી લઉં. મને વિશ્વાસ છે કે કોઇ પણ નાનાં ગુજરાતી શહેર નાં વિદ્યાર્થી ને મારા જેવા અને મારાથી પણ રસિક અને કપરાં અનુભવો થ્યા હશે, સ્કુલ નાં વિદ્યાર્થી માં થી કોલેજીયન બનાવામાં.

મેં બારમું ધોરણ પતાઇવુ એને નવ વરહ થ્યા. મારા કુટુંબ માં થી કોઇ ગ્રેજ્યુએટ પણ થ્યેલું નહિં પછી એન્જીનીઅર કે ડોક્ટર ની તો વાત જ ક્યાં કરવી? આથી, એડમિશન શે માં લેવુ એનો નિર્યણ લેવાની સંપૂર્ણ જવાબદારી મારા માથે. છાપા માં અને સીનીયર વિદ્યાર્થીઓ પાસે થી એટલી ખબર કે ગુજરાત માં કેમીકલ એન્જીનીઅરીંગ ની સારી ‘વેલ્યુ’ છે. MBBS માટે તો પાછલા વરહ નાં cut off માર્ક્સ કરતા પણ ૪ માર્ક્સ ઓછા હતા એટલે શક્યતા નહિવત હતી. પેરેન્ટ્સ ને ઉંડે ઉંડે થોડીક ઇચ્છ ખરી કે ગગો ડોક્ટર બને તો સારુ. એટલે પપ્પા મોરબી નાં એક ડેંટીસ્ટ ને પણ એમનો અભિપ્રાય પુછી આઇવા: કેવુ પ્રોફેશન છે? વિદેશ જવાનાં કેવા ચાન્સ છે? દેશ માં જ હોય તો કેવી કમાણી થાય? હા હા હા, ભારત માં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતો કોઇ ડોક્ટર શું મુન્નાભાઇ ની જેમ કબૂલ કરે કે ‘મસ્કા હૈ બાપ, મસ્કા’? જો એમ કહેતો ફરે તો ઇન્કમ ટેક્ષ વાળા ની પૂછપરછ ચાલુ થાય અને નાનકડાં મોરબી માં બીજો હરિફ ડેંટીસ્ટ ઉભો થાય! પણ ત્યારે એવી ક્યાં ખબર પડતી?

હું રાજકોટ જઇને એકાદ “બારમા ધોરણ પછી શું?” એવો સેમીનાર ભરી આઇવો. એંજીનીઅરીંગ માં તો મને કેમીકલ સિવાય કાંઇ દેખાતુ જ નો’તુ. એક સીનીઅર ભાઇબંધ બિચારો કહી ક્હી ને થાઇકો કે કોમ્પુટર સાયન્સ માં જા, એનો જમાનો છે; પણ હું માનું તો ને? મને તો છાપા માં વાંચેલુ એક વાક્ય મગજ માં ઘર કરી ગ્યુ’તું: “ Ankleshwar has the largest industrial estate in Asia and most of the companies in the estate are chemical and pharmaceutical companies!” એમ જ લાગતું કે આ બધા કમ્પની વાળાઓ મારી રાહ જોઇ ને જ બેઠા છે. ખબર નો’તી કે ચાર વરસ પછી કોઇ રૂ. ૪,૦૦૦ નાં માસિક પગાર માં ય નહિ રાખે.

ગુજરાત માં એલ.ડી કે એમ.એસ. કેમીકલ માં મળે એટલા માર્ક્સ નો’તા. નિરમા માં પૅમેન્ટ સીટ નાં પૈસા તો મોંઘા પડે. નવી કોલેજ માં જવાની ઇચ્છા ઓછી હતી. પપ્પા ને બહુ ઇચ્છા કે છોકરાંવ ને અંગ્રેજી સારું આવડવું જોઇએ (હું માંડ પાસ થ્યો’તો અંગ્રેજી માં); અને એવી છાપ કે દક્ષિણ ભારત નાં લોકો નું અંગ્રેજી સારુ. આથી, REC, વારંગલ (આંધ્રપ્રદેશ; http://www.nitw.ernet.in/ ) માં દાખલો લીધો. દાખલો લેતા તો લેવાઇ ગ્યો પણ કોઇ દિ’ હું બાપડો મોરબી થી અમદાવાદ એક્લો નો’તો ગ્યો; રાજકોટ એકલો પહેલી વાર બારમા પછી ગ્યો’તો. પપ્પા હંમેશા પોતાનું ઉદાહરણ દઇને કે'તા, " હું ૧૬ વરહ નો હતો ત્યારે એકલો મોરબી થી હળવદ ( ૩૨ કી.મી.) ગ્યો તો, ભણવા હારુ" :-)

Tuesday, October 04, 2005

ઘોઘા ની સીખ

આજ થી નવરાત્રી ચાલુ થાય છે. બાળપણ માં અમારા માટે, નવરાત્રી દરમ્યાન, જો સૌથી વધારે આનંદદાયક કોઇ કાર્ય હોય તો, ઇ ઘોઘા ફેરવવાનું! મોટા શહેરો માં તો ખબર નથી, પણ અમારા મોરબી માં તો હજી મધ્યમ અને ગરીબ વર્ગ નાં બાળકો ‘સીખ’ મેળવવા માટે ઘરે ઘરે ‘ઘોઘા’ અને ‘ગરબા’ ફેરવે છે ઇ મને ખબર છે.

ગરબો એટલે ઘણા કાણાં કરેલું એક નાનકડું માટલું અને ઘોઘો એટલે માટી નું નાનકડું મંદિર. ઘોઘા (કે ગરબા) માં એક દિવો કરવાનો; એક નાની ડબ્બી માં થોડુંક તેલ લેવાનું; એક બાકસ અને દિવા માટે એક-બે વધારાની વાટો. આ બધુ એક થાળી માં લઇ ને સાંજ પડ્યે મિત્રો સાથે આજુ-બાજુ ની સોસાઇટીઓ માં ઘરે ઘરે જાવાનું. છોકરાઓ પાસે ઘોઘા હોય અને છોકરીઓ પાસે ગરબા હોય. દરેક ઘરે જઇને ઘોઘા નું ગીત ગાવાનું. ઘોઘા અને ગરબા નાં ગીતો જુદા જુદા હોય; આથી, બન્ને ગ્રુપ અલગ અલગ હોય.

જુદા જુદા ઘરે થી જુદી જુદી વસ્તુ મળે. કોઇ ચોકલૅટ તો કોઇ પેપરમીંટ (peppermint) આપે. તો કો’ક વળી કાજુ, અગરબત્તી, દિવા માં પૂરવા નું તેલ કે મગફળી નાં દાણા આપે. જો ક્યારેક કો’ક નાં હૈયા માં રામ વસ્યા હોય તો ‘રોકડા’ ય આપે!! ઘણાં લોકો એમ પણ કહી દ્યે કે “છેલ્લે દિ’ (દશેરા) આવજો”; અમે મન માં ને મન માં એમને ભાંડતા આગળ વધી! મોટા મકાનો વાળા પાસે થી ઓછી જ સીખ મળતી ઇ મને બરોબર યાદ છે. એક-બે વાર તો આવા પૈસાવાળા નાં કૂતરાય મારી વાં’હે થ્યા’તા! ભાગતા-ભાગતા ઘોઘા નો દિવો ઓલવાઇ ગ્યો, તેલ ઢોળાઇ ગ્યુ પણ સીખ નો મૈળી તે નો જ મૈળી. ‘સ્વમાન’ ને ફટકો લાગતા અમે છેલ્લે દિ’ પણ આવા ઘરો ને avoid કરતા. બાકી, છેલ્લે દિ’ તો અમે સવાર થી નીકળી જાતા સીખ માંગવા. નવ દિવસ દૂર ની સોસાઇટીઓ માં જેનાં ઘરે ઘોઘો લઇને નો ગ્યા હોય એના ઘરેય દશેરાએ જાતા. અને સાંજે રાવણ-દહન નાં કાર્યક્રમ ને કેમ જતો કરાય?

ઘોઘા ફેરવતી વખતે જે ગીત ગાતા એમાંથી થોડુંક હજી યાદ છે. પૂરો અર્થ ખબર નથી અને જાણવાની કોશીષેય નથી કઇ’રી.

ઘોઘા ઘોઘા ઘો’સલામ
નાથી ભાઇ નાં વીસ સલામ

ટોકરી નો ટમકો
ઘૂઘરી નો ઘમકો

પરે પટોળીયે પોઢે છે
ગોદડીયા ને ગોળી વાઇ’ગી
જાય ગોદડીયો ભાઇ’ગો

દિકરી દિકરી દિવાળી
સોના ની ઘાઘરી સીવાણી

તેલ દ્યો, ધુપ દ્યો, બાવા ને બદામ દ્યો
ઘોઘા ની સીખ ! (જોર થી બોલવાનું)

Sunday, October 02, 2005

ગાંધીજી અને ગુજરાત

ગાંધીજી. આ માણસ હારે કોને વાંધો નથી? કૉંગ્રેસ ને એમ થાય છે કે ગાંધીજી એ ભારત ના ભાગલા નો પૂરતો વિરોધ નો કઇરો. ભાજપ કે જેના મૂળ RSS માં થી ઉત્પન્ન થાય છે એને વાંધો છે કે ગાંધીજી એ હિંદુઓ નાં હિતો ને હાનિકારક પગલા ભઇરા. હંમેશા દેશ નાં વિકાસ માં દખલકારક સામ્યવાદીઓ ને ગાંધીજી ની આસ્તિકતા આડી આવે છે.

આજે જો ગુજરાત માં કોઇ હાઇસ્કુલ કે કૉલેજ નાં ગ્રૅજ્યુએટ ને પુછવામાં આવે કે ગાંધીજી એ લખેલા કેટલા લખાણ વાંચ્યા છે તો, ભાગ્યે જ કોઇ જોવા મળશે કે જેણે ગાંધીજી ની આત્મકથા સિવાય કોઇ લખાણ વાંચ્યુ હશે. પણ જો એ જ લોકો ને ગાંધીજી વિશે અભિપ્રાય પુછીએ તો ટિકા જ સાંભળવા મળશે. ગાંધીજી ની ટિકા કરવી ઇ હવે ફેશન બની ગઇ છે.

મને પૂરો વિશ્વાસ છે કે જો કોઇ પણ વ્યક્તિ ગાંધીજી નું લખાણ વાંચે તો તરત જ ખ્યાલ આવશે કે તે માણસ નાં વિચારો કેવી રીતે આકાર પામ્યા. અને કેવી પરિસ્થિતિ માં તે આકાર પામ્યા. તે ખુદ પણ કબુલ કરે છે કે કોઇ પણ માણસ પરફેક્ટ નથી. આજે આઝાદી નાં 60 વરસ પછી આપણે જોઇ શકીએ છીએ કે માત્ર ગાંધીજી જ નહી, બધા નેતા ઓ એ નાની-મોટી ભૂલો કરી હતી. આજે તો ગુજરાત માં હાલતા ને ચાલતા લોકો સરદાર પટેલ ની સરખામણી ગાંધીજી સાથે કરે છે; બે ય ની જરૂર હતી ભારત ને. પણ કમનસીબે, આ સરખામણી હવે મત મેળવવાનું સાધન બની ગ્યુ છે.


PS: ગાંધીજી નાં પૂરા લખાણ અહિં વાંચવા મળશે: http://www.mahatma.org.in/bookmain.jsp?link=bk

ગાંધીજી ઉપર બીજી સારી વેબસાઇટ: http://www.gandhiserve.org/