Tuesday, October 04, 2005

ઘોઘા ની સીખ

આજ થી નવરાત્રી ચાલુ થાય છે. બાળપણ માં અમારા માટે, નવરાત્રી દરમ્યાન, જો સૌથી વધારે આનંદદાયક કોઇ કાર્ય હોય તો, ઇ ઘોઘા ફેરવવાનું! મોટા શહેરો માં તો ખબર નથી, પણ અમારા મોરબી માં તો હજી મધ્યમ અને ગરીબ વર્ગ નાં બાળકો ‘સીખ’ મેળવવા માટે ઘરે ઘરે ‘ઘોઘા’ અને ‘ગરબા’ ફેરવે છે ઇ મને ખબર છે.

ગરબો એટલે ઘણા કાણાં કરેલું એક નાનકડું માટલું અને ઘોઘો એટલે માટી નું નાનકડું મંદિર. ઘોઘા (કે ગરબા) માં એક દિવો કરવાનો; એક નાની ડબ્બી માં થોડુંક તેલ લેવાનું; એક બાકસ અને દિવા માટે એક-બે વધારાની વાટો. આ બધુ એક થાળી માં લઇ ને સાંજ પડ્યે મિત્રો સાથે આજુ-બાજુ ની સોસાઇટીઓ માં ઘરે ઘરે જાવાનું. છોકરાઓ પાસે ઘોઘા હોય અને છોકરીઓ પાસે ગરબા હોય. દરેક ઘરે જઇને ઘોઘા નું ગીત ગાવાનું. ઘોઘા અને ગરબા નાં ગીતો જુદા જુદા હોય; આથી, બન્ને ગ્રુપ અલગ અલગ હોય.

જુદા જુદા ઘરે થી જુદી જુદી વસ્તુ મળે. કોઇ ચોકલૅટ તો કોઇ પેપરમીંટ (peppermint) આપે. તો કો’ક વળી કાજુ, અગરબત્તી, દિવા માં પૂરવા નું તેલ કે મગફળી નાં દાણા આપે. જો ક્યારેક કો’ક નાં હૈયા માં રામ વસ્યા હોય તો ‘રોકડા’ ય આપે!! ઘણાં લોકો એમ પણ કહી દ્યે કે “છેલ્લે દિ’ (દશેરા) આવજો”; અમે મન માં ને મન માં એમને ભાંડતા આગળ વધી! મોટા મકાનો વાળા પાસે થી ઓછી જ સીખ મળતી ઇ મને બરોબર યાદ છે. એક-બે વાર તો આવા પૈસાવાળા નાં કૂતરાય મારી વાં’હે થ્યા’તા! ભાગતા-ભાગતા ઘોઘા નો દિવો ઓલવાઇ ગ્યો, તેલ ઢોળાઇ ગ્યુ પણ સીખ નો મૈળી તે નો જ મૈળી. ‘સ્વમાન’ ને ફટકો લાગતા અમે છેલ્લે દિ’ પણ આવા ઘરો ને avoid કરતા. બાકી, છેલ્લે દિ’ તો અમે સવાર થી નીકળી જાતા સીખ માંગવા. નવ દિવસ દૂર ની સોસાઇટીઓ માં જેનાં ઘરે ઘોઘો લઇને નો ગ્યા હોય એના ઘરેય દશેરાએ જાતા. અને સાંજે રાવણ-દહન નાં કાર્યક્રમ ને કેમ જતો કરાય?

ઘોઘા ફેરવતી વખતે જે ગીત ગાતા એમાંથી થોડુંક હજી યાદ છે. પૂરો અર્થ ખબર નથી અને જાણવાની કોશીષેય નથી કઇ’રી.

ઘોઘા ઘોઘા ઘો’સલામ
નાથી ભાઇ નાં વીસ સલામ

ટોકરી નો ટમકો
ઘૂઘરી નો ઘમકો

પરે પટોળીયે પોઢે છે
ગોદડીયા ને ગોળી વાઇ’ગી
જાય ગોદડીયો ભાઇ’ગો

દિકરી દિકરી દિવાળી
સોના ની ઘાઘરી સીવાણી

તેલ દ્યો, ધુપ દ્યો, બાવા ને બદામ દ્યો
ઘોઘા ની સીખ ! (જોર થી બોલવાનું)

1 Comments:

Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

ભાઈ શ્રી કાઠિયાવાડી,

તમે ઘણુ જ સુંદર લખો છો. આજે તમે નવરાત્રીની વાતો કરીને ઘણી જ સ્મૃતિઓ તાજી કરી દીધી છે. તેમાની કેટલીક હું મારા બ્લોગ પર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.

તમારી આ સુંદર પ્રયત્નો ચાલુ રાખશો.

સિદ્ધાર્થ શાહ

6/10/05 04:08  

Post a Comment

<< Home