Wednesday, January 25, 2006

ધરતીકંપ

10મા ધોરણ માં હતો (1993 - 94 માં) ત્યારે બધા એવુ કહેતા કે ગુજરાતી ની પરિક્ષા માં આ વખતે “ધરતીકંપ” ઉપર નિબંધ લખવાનો આવશે. કેમ કે, ઇ વરસે લાતુર માં જબરદસ્ત ભૂકંપ આવેલો. બરોબર નિબંધ તૈયાર કરીને પરિક્ષા આપવા ગ્યો’ તો. જો કે, નિબંધ તો બીજો પુછાયેલો, પણ મગજ માં ધરતીકંપ વિશે ની માહિતી બેસી ગ્યેલી. પછી, જ્યારે આંધ્ર માં ભણવા ગ્યો ત્યારે લાતુર નાં બે વિદ્યાર્થીઓ સાથે સારી મિત્રતા થઈ ગ્યેલી અને એમના અનુભવો વિશે ચર્ચા થાતી.

પણ જે અનુભવવાનું હતું, એ માટે માહિતી નાં આવા નાના નાના dose મને તૈયાર કરવામાં નિષ્ફળ ગ્યા. જે અનુભવ થવાનો હતો, એની ભયાનકતા અને અનિશ્ચિતતા તો આજે પાંચ વરહ પછી પણ પરસેવો છુટાવે છે.

8.46am, 26મી જાન્યુઆરી 2001: પપ્પા મૉર્નિંગ વૉક માં ગ્યા છે, મમ્મી એમની નિશાળ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં ગયેલ છે, ભાઈ નાસ્તો – પાણી કરીને છાપુ વાંચે છે. હું ન્હાવા ની શરુઆત કરવાની તૈયારી કરું છુ. અને અચાનક જ બાથરૂમ, ભારતીય ટ્રેઈન ની જેમ, ધ્રુજવા મંડે છે. હું અવ્યવસ્થિત રીતે ટુવાલ વીંટાળીને બૂમ પાડતો પાડતો બહાર આવુ છુ, “ભાગ, ભાઈ ભાગ”. ભાઈ તો મારી આગળ છાપું હાથ માં લઈ ને ભાગતો જ હતો! પછી તો અમે બેય, ઘર માં થી ફળીયા માં અને ત્યાંથી વંડી ઠેકીને શેરી માં. ફળીયા નો દરવાજો ખોલવાનો ક્યાં સમય જ હતો? પાડોશીઓ પણ દોડીને બહાર આઇવા. ઘર ની બહાર પશુઓ ને પીવા માટે બનાવેલી નાની પાણી ની કુંડી અડધી ભરેલી હતી. એમાંનું પાણી છલકાઈ ને નીચે ઢોળાય છે. આ બધુંય કાલે જ બઇનુ હોય એમ અત્યારે નજર ની સામે તરવરે છે. અને આ ભૂકંપ ની સાથે સંભળાતો ગેબી અવાજ suspense અને ડર માં ઉમેરો કરતો હતો. થોડી વાર પછી, પપ્પા ને દૂર થી આવતા જોયા. જે મચ્છુ નદી નાં પૂલ ઉપર થી તે 10 મીનીટ પહેલા હાઇલા હતા, એની અડધી ફૂટપાથ ભૂકંપ માં પડી ગઈ. મમ્મી પણ થોડી વાર પછી ઘરે આવી ગ્યા. જો કે અમારા ઉપરાંત બીજા ઘરો ને થોડું ઘણું નુકસાન થ્ય્યુ, સદનસીબે અમારી સોસાઈટી માં કોઈ જાનહાની નો’ થઈ.

પછી તો સમાચાર મળવા ની શરુઆત થઈ ગઈ કે મોરબીનાં ક્યા વિસ્તારો માં સૌથી વધુ નુકસાન થ્યુ છે, મોરબી સિવાય ક્યાં ક્યાં અસર થઈ છે. સાંજે મિત્ર જોડે ગામ માં હાલત કેવી થઈ છે ઇ જોયુ. લોકો પાસે થી જાણવા મઇળુ કે ગામડાઓ માં બહુ નુકસાન થ્યુ છે અને 80 – 90% ઘરો સાફ થઇ ગ્યા છે. ધરતીકંપ ની સાંજ થી જ મોરબી ની સોસાઈટીઓ માંથી લોકો એ થેપલા, રોટલી, શાક વગેરે રાંધી રાંધીને વાહનો માં ગામડે ગામડે જઇ ને આપવાનું ચાલુ કરી દીધુ.

બપોરે, અમે અને અમારા પાડોશીએ ભેગુ રસોડું કઇરુ કેમ કે એમનું ફળીયુ મોટું હતુ; આથી ચાલુ રહેલ aftershocks ની બીક નો’ રહે. રાત્રે ફળીયા માં સુતા. વિજળી તો બીજે દિ’ આઈવી. બીજે દિ’ ઘર માં સૂવાનો પ્રયત્ન કઇરો પણ, શાંતિ થી ઉંઘ આવે તો ને! એટલે શેરી માં જ પાડોશીઓ સાથે તંબૂ તાઇણા. શિયાળાની ઠંડી પણ ચાલુ જ હતી. આમ થોડાક દિ’ હાઇલુ. પછી, બીક ઓછી થઇ એટલે ફળીયામાં મચ્છરદાની બાંધીને સુવાનું શરૂ કઇરુ.

અહિં પશ્ચિમ માં તો લાકડાનાં floors સામાન્ય છે. આજે પણ જ્યારે મારી lab ની નીચે આવેલ lab માં કોઈ જોરથી દરવાજો બંધ કરે છે કે કોઈ વજનદાર વસ્તુ પછાડે છે ત્યારે મારુ કૉમ્પ્યુટર, ટૅબલ ધ્રુજે છે અને ભૂકંપની યાદ અપાવી જાય છે.

Undoubtedly, આ દુર્ઘટના નાં લીધે અમુક એવા વ્યક્તિગત પ્રસંગો પણ છે કે જે સુખદ યાદ અપાવે છે. એકબીજાને ઉપયોગી બનવાની અગત્યતા સમજાઈ. મિત્રો સાથે તાપણું સળગાવીને ચા પીતા પીતા મોડે સુધી ચોકી કરવી (ચોરી નાં બનાવો વધી ગ્યા હતા કેમ કે ઘણાં લોકો નાં મકાનો નુકસાની નાં લીધે સલામત નો’તા), સાંજે ઘર ની બહાર ટીવી. લાવીને કૌન બનેગા કરોડપતી જોવુ, દિવસ નાં સમયે તડકા માં ખાટલા ઉપર બેસીને Toefl અને GRE માટે ની તૈયારી કરવી, પબ્લીક લાઈબ્રેરીનાં ખખડધજ બીલ્ડીંગ માંથી છાપાં અને સામયિકો બહાર લાવી ને કેસરબાગ માં ઘાસ ઉપર બેઠા બેઠા વાંચવુ!

ટૂંક માં, આ દુર્ઘટનાએ હજારો લોકો ની જિંદગી બે મીનીટની અંદર છીનવી લીધી, કરોડો લોકો નાં સપનાંઓ ચકનાચૂર કરી નાઇખા, હજારો ભ્રષ્ટ લોકો ને કરોડો રૂપીયા ભ્રષ્ટાચાર કરીને ખાઈ જવાનો મોકો આઇપો; પણ સાથેસાથે દેશ નાં લોકો ને કટોકટીનાં સંજોગો માં કેવીરીતે સફળતાથી એક થઇને સામનો કરવા માટે જરૂરી practice પૂરી પાઇડી.

Sunday, January 22, 2006

સૌરવ :(

સૌરવ ગાંગુલી નો ભારતીય ક્રિકેટ ટીમ માં સમાવેશ થવો જોઇએ કે નહિ એ મુદ્દાએ માત્ર દેશ જ નહિ, પરંતુ even એક જ કુટુંબ નાં સભ્યો ને પણ divide કર્યા છે.

મારા મત મુજબ ગાંગુલી નો સમય પૂરો થવા ઉપર છે. અને માત્ર એનાં સુવર્ણ ભૂતકાળ નાં હિસાબે ટીમ માં અગણીત તકો આપી નો’ શકાય. મારા પપ્પા, ગાંગુલી નાં બહુ મોટા સપૉર્ટર, કહે છે કે જો ગાંગુલી ને તેનાં ફૉર્મ નાં આધારે પ્રથમ અગ્યાર ખેલાડીઓ માં સ્થાન મળે એમ નો’ હોય તો, પાકીસ્તાનીઓ ને કહો કે તે લોકો 12 ખેલાડીઓ ને મૅચ માં રમાડે, કે જેથી ભારત ની ટીમ માં બારમા ખેલાડી નું સ્થાન સૌરવ ને મળે!! હે ભગવાન, ભારતીય સમાજ ને વ્યક્તિ પૂજા નું વળગણ કેમ લગાડ્યુ?

Thursday, January 19, 2006

ડાહી વાતો

માણસ નાં વિચારો ઘડાવાની પ્રક્રિયા જેટલી સાદી લાગે છે એટલી જ unbelievable પણ છે. મેં ખુદ પણ આ જીવન નાં ટૂંકા ગાળા માં અમુક વિષયો ઉપર નાં મારા વિચારો માં ખુબ ફેરફારો અનુભવ્યા છે. આ ફેરફારો નાનાં મોટા નહિ, પણ અમુક મુદ્દાઓ ઉપર તો વિચારોએ ઉત્તર ધ્રુવ થી દક્ષીણધ્રુવ જેટલી મોટી shift અનુભવેલી છે. અને એ પણ ખબર છે કે હું અત્યારે જે વિચારો ધરાવુ છું, એ જ વિચાર અમુક વરસો (અરરે, અમુક મહિનાઓ) પછી મને સાવ અર્થવિહિન કે મુર્ખામીભર્યા લાગશે એમાં બેશક નથી. અત્યારે જે મુદ્દાઓ ઉપર બીજા લોકો સાથે શાબ્દિક વિવાદ કરું છું, શક્ય છે કે, અમુક સમય પછી હું જ તેમના વિચારો અપનાવી લઉ.

હું નાનો હતો ત્યારે ઘણીવાર શાખા (આર.એસ.એસ. દ્વારા બાળકો અને યુવાનો માટે રોજ એક કલાક ચલાવાતી રમત ગમત થી ભરપૂર એક સભા) માં જાતો. હું ત્યાં મારી કે મમ્મી-પપ્પા ની કોઈ વિચારધારા ને લીધે જાતો એવું નો’તું, પણ રમવાની મજા આવતી અને એક બાળક ને રમવા સિવાય બીજુ શું ગમે? થોડાક દિ’ માટે એક મુસ્લીમ મિત્ર પણ શાખા માં આવતો, એવું યાદ છે. આ ઈ સમય હતો જ્યારે ભાજપનાં અડવાણી સાઇ’બ રથયાત્રા ઉપર રથયાત્રા કાઢતા અને રામમંદિર સિવાય એમના પક્ષ પાસે કોઈ વાત કરવા માટે નો’તી (જો કે, અત્યારે પણ ભાજપ માં હજી ઘણાં એવા લોકો છે). મેં પણ એકાદ – બે વાર “સાધ્વી” ઋતંભરા ની ઝેર ઓકતી ઑડીયો કૅસેટ સાંભળેલી, ઈ વખતે.

આ બધા લોકો માટે મારા માં જે પણ soft corner હતો, ઈ ઘસાઈ ગ્યો એને વરસો થઈ ગ્યા. હવે તો આવા લોકો માટે લાગણી ધરાવતા, મારી ઓળખાણ નાં, લોકો ને “સુધારવા” નો નશો (એનાં ઉપર પછી ક્યારેક વાત) પણ ઘણીવાર મને ચડી જાય છે. પણ, આ વાત ઉપર થી મને એટલું તો શીખ્યો છું કે, બધી વાતો ઉપર જલદી થી કોઈ નક્કર નિર્યણ લઈ લેવો અને માનવું કે બાકી બધા વિરોધી વિચારો સાવ ખોટા છે, એ ખુબ જોખમ ભરેલું છે. Taking a stand is very important, I know; પણ, જે લોકો બધી બાજુ નાં વિધાનો સાંભળીને પણ જો કોઈ નિર્યણ નો’ લઈ શકે તો, એનો અર્થ ઈ નથી કે તેમને fence sitters ગણવા.

મારો 'inner voice' (હા, Sonia Gandhi fame!): હાલ હાલ, બહુ સભા કઈ’રી, હવે કાંઇક ભણવાનું કર, દોઢ ડાહ્યા.

Tuesday, January 17, 2006

Conclusion before investigation?

ઈર્ષા, ધર્મઝનૂન, સહિષ્ણુતા ની ખામી અને conspiracy theories માં વધુ પડતી શ્રદ્ધા માનવી ને કેટલી હદ સુધી લઈ જઈ શકે છે, ઇ જાણવું છે? આ રહ્યું ઉદાહરણ.

Wednesday, January 11, 2006

ભારતીય ક્રિકેટ

ક્રિકેટ મૅચ જોવા માટે પ્રાથમિક શાળા માં થી ઘણીવાર ગાપચી મારી છે. આ વાત સાંભળીને મમ્મી વઢે નહિ તે જોવાનું કામ પપ્પા નું! 11મા ધોરણ માં નિરાશાજનક પરિણામ પછી ઘર માં ખરડો પસાર કરવામાં આઇવો કે મારું બારમું ધોરણ પતે નહિ ત્યાં સુધી કૅબલ ટીવી તો શું, even કંટાળાજનક દૂરદર્શન પણ ઘર માં નહિ ચાલે. ટીવી નાં છેડા છોડીને માળીયા માં ચડાવી દેવા માં આઇવુ. આખુ વરહ મારા લીધે ઘર માં કોઈએ આખુ વરહ ટીવી નો’ જોયુ! આવા બલિદાન તો ભારતમાં જ જોવા મળે. આ આખા વરહ માં એક જ અપવાદ રૂપ દિ’ હતો. બૉર્ડ ની પરિક્ષા નાં એક અઠવાડીયા પહેલા બેંગલોર માં ભારત – પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ ની સેમી ફાઈનલ માટે માળીયા માં ધુળ ખાતુ ટીવી નીચે ઉતારવામાં આઇવુ! અને આ કામ કરવા બદલ કોઈ દિ’ અફસોસ નથી થ્યો કેમ કે મૅચ ને ચૂકી શકાય એમ જ નો’તી.*

કોલેજ માં ગ્યો ત્યારે ત્યાં દરેક હોસ્ટેલ માં એક ટીવી રૂમ રહેતો. મૅચ વખતે સવાર થી જ લોકો પોતાનાં રૂમ માં થી ખુરશીઓ લાવી ને ટીવી રૂમ ના છેડે જગ્યા ‘રીઝર્વ’ કરી લેતા. બાકી નાં લોકો નીચે બેસીને ટીવી જોવે. ત્યારે જે રીતે દરેક ચોક્કા, છગ્ગા અને વિકેટ વખતે ઉજવણી કરતા, એવી ઉજવણી તો કદાચ ખુદ ભારતીય ક્રિકેટરો પણ નો’ કરતા. એ વખતે રૂમ માં હાજર દરેક વ્યક્તિ આજે પણ એ દિવસો miss કરતી હશે, ઇ મારો વિશ્વાસ છે. આ રૂમ માં જમ્મુ નો વિદ્યાર્થી આંધ્ર નાં કોઈ છોકરા સાથે, તો કોઈ ગુજરાતી વિદ્યાર્થી ત્રિપુરા નાં વિદ્યાર્થી સાથે, એક બંગાળી ક્રિકેટરે મારેલા ચોક્કા ની ઉજવણી કરતો. આનાંથી મોટી ગર્વ ની વાત એક ભારતીય માટે શું હોઈ શકે?

મોરબી માં ક્રિકેટ જોતી વખતે દર પંદર મીનીટે ભારતની મૅચ જીતવાની સંભાવના વિશે નિરાશાજનક અભિપ્રાય આપતા મારા પપ્પા અને ભાઈ સાથે પણ શાબ્દિક વિવાદ કરીને મમ્મી અને હું કોઈપણ રીતે પૂરી મૅચ જોવાનું મનોબળ જાળવી રાખતા. ખરેખર, ક્રિકેટ જોવામાં જે આનંદ આવે છે, એને વર્ણવવો અઘરો છે.

હું જાણું છું કે લોકો નાં ક્રિકેટ પાછળ નાં ગાંડપણ ને લીધે દેશ માં કામો મોડા થાય છે અને અર્થતંત્ર ને બહુ નુકસાન પહોંચે છે; જે દુખ:જનક છે. પણ, મારી આ પૉસ્ટ તો એક ભારતીય ની ક્રિકેટ સાથી જોડાયેલી લાગણી ઉપર છે. જો કોઈ પોતાની duty મૂકીને ક્રિકેટ જુએ તો, ઈ ક્રિકેટ નો વાંક નો’ કે’વાય. આ પ્રશ્ન નો ઉકેલ તો લોકો ને તેમનું કામ કરવાની ફરજ પાડવામાં અને દેશ પ્રત્યે ની તેમની જવાબદારી સમજાવવા માં છે.

ભારત ને, અમુક સમય માટે, છોડવાથી મને શું મઇ’ળુ છે, ઇ તો અમુક વરસો પછી ખબર પડશે પણ મેં બે અમૂલ્ય વસ્તુ તો જરૂર ગૂમાવી છે: (i) મિત્રો નાં લગ્નો માં મારી હાજરી અને (ii) કુટુંબીજન અને મિત્રો સાથે ક્રિકેટ દર્શન.

* મેં 'મૅચ' શબ્દ નો સ્ત્રીલિંગ (feminine) તરીકે ઉપયોગ કર્યો છે અને પુલિંગ (masculine) તરીકે નહિ; કેમ કે હિન્દી માં આ રીતે વપરાય છે. હું ઘરે ગુજરાતી (કાઠિયાવાડી) માં મૅચ ને પુલિંગ તરીકે વાપરુ છુ. આથી, confused છું; જો કોઈ આ વ્યાકરણ ઉપર પ્રકાશ પાડવાની ક્રુપા કરશે, તો હું આભારી થઇશ.

Tuesday, January 03, 2006

પડકાર

સૌ ને મારા નવા નરહ નાં સાલ મુબારક. આશા છે કે સૌ લોકો નવા વરહ માં તેમના સપનાંઓ સાર્થક કરવા માટે જરૂરી Action plan સાથે તૈયાર થઈ ને બેઠા હશે.

આ વરસની નાતાલ ની રજાઓ જેટલી સારી રજાઓ બ્રિટન માં ક્યારેય જોઈ નથી. મોટે ભાગે મને નાતાલ ઉપર ફ્લુ હોય જ અને વળી પાછી, યુનિવર્સીટી માં રજાઓ ને લીધે અમારા સંકુલ મા હું એકલો બેઠો હોવ! હું રજાઓ માં પણ યુનિ. જતો કેમ કે ત્યાં ઘર કરતા ઓછો કંટાળો આવે. પણ, આ વરસે તો કોઈપણ માંદગી વગર સમય ગ્યો. ઉપરાંત, સારો એવો સમય લેસ્ટર માં ગુજરાતી ખાણાં અને પાન(!) ખાતાં ખાતાં પસાર કઇરો અને ત્યારબાદ બ્રાઈટન માં જ એક ex-classmate આવેલો હોવાથી તેની સાથે જલસા કઈરા.

પણ, નવુ વરસ ખુબ મોટી કસોટીઓ લઈ ને તૈયાર જ બેઠુ હતું. આજ થી યુનિ. રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ. Ideally, આ વરહ માં મારુ ભણવાનુ પુરુ થઈ જવું જોઇએ કેમ કે મેં પી.એચ.ડી. ચાલુ કઇરુ એને ઓગષ્ટ માં ત્રણ વરહ પૂરા થાશે. જ્યાર થી મારા કૉમ્પુટરે કૅલેન્ડર માં 2006 નું વરસ દેખાડવાનુ શરુ કઇરુ, ત્યાર થી બીક લાગવાની શરુઆત થઈ ગઈ છે. મારી પાસે પ્રશ્નો છે, એને કેવી રીતે ઉકેલવા એનાં જવાબ પણ છે. તો, શું ખુટે છે? એકાગ્રતા. નિશાળ માં હતો ત્યારે એકલવ્ય નુ ઉદાહરણ આપીને મમ્મી મદદ કરતી હતી. બારમા ધોરણ માં અભ્યાસ પ્રત્યે જેટલી એકાગ્રતા હતી એની અડધી પણ અત્યારે નથી રહી એમ કબૂલ નો’ કરુ તો હું ખોટું બોલતો હોઇશ. અને ઈ એકાગ્રતા ને પાછી લાવવી, એ જ મારા માટે આ વરહ નો સૌથી મોટો આંતરિક પડકાર છે.

Indeed, સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.