Sunday, September 25, 2005

આપણી જવાબદારી

વિશ્વ ની સૌથી મોટી લોકશાહી કે જ્યાં ¼ વસ્તી ગરીબી રેખા ની નીચે જીવે છે, જ્યાં વિશ્વ નાં 1/3 ગરીબો વસવાટ કરે છે, ત્યાં નાં વિરોધપક્ષ નાં નેતા અને ભુતપૂર્વ ગૃહ મંત્રી પાસે થી એક સામાન્ય માણસ કઇ જાત નાં ભાષણ ની આશા રાખે?

જો તમે માનતા હો કે આ ભાઇ દેશ ની સરકાર ની ઝાટકણી કાઢતા હશે કેમ કે સરકાર
(1) ગરીબો નો ઉદ્ધાર લાવવા વધારે શાળા ઓ નથી બંધાવતી,
(2) રોજગાર ઉત્પન્ન કરવાની યોજના ઓ નો અમલ નથી કરતી,
(3) સમાજ માં નાત-જાત ના ભેદભાવ દૂર કરવા નો પૂરતો પ્રયત્ન નથી કરતી
(4) દેશ નાં સૌથી મોટા આંતરીક દુશ્મન, કોમવાદ, ને ડામવા માં નિશ્ફળ નિવડી રહી છે.
તો, તમે ખોટા પડશો. કેમ કે એલ. કે. અડવાણી આજે સોમનાથ ગ્યા’તા અને ફરી થી પોતાની “તકિયા કલામ” અયોધ્યા માં રામમંદિર બનાવવાની વાત ઉચ્ચાઇરી. જ્યારે આ બધાય નેતા ગુજરાત માં આવીને બિચારા સામાન્ય લોકો નું ધ્યાન અર્થ વગર ની વાતો માં દોરવે ને’ ત્યારે મને પાર વગર ની ખીજ ચડે છે. કારણ કે એમને ખુદ ને પણ ખબર છે કે લોકો ને આર્થિક રીતે ઉંચા લાવવા માટે સખત મહેનત કરવી પડે. અને જો ખાલી મંદિર ના નામે મત મળતા હોય તો લોકો નાં વિકાસ કરવા માટે ની ગધ્ધા મજુરી શું કામ કરવી?

આ જ અડવાણી અને એની પાર્ટી એ એક માણસ ને ત્રણ વખત સુધી મારા મોરબી માં વિધાનસભા ની ચૂંટણી માટે ટીકીટ આઇપી અને મોરબી ની પ્રજા એ આ માણસ ને ચૂંઇટો પણ ખરો. ગ્યા વર્ષે એના ઉપર એક ખુન કરાવવાનો કેસ હાઇલો અને અત્યારે જન્મટીપ ની સજા ભોગવે છે, આ ભાઇ. ધારાસભ્ય જેલ માં અને તો ય એક પણ ખુલાસો કે માફી નો શબ્દ અડવાણી કે ભાજપ તરફ થી પ્રજા ને નો’ મૈળો. આજ-કાલ ભાજપ, મનમોહન સિંઘ ની સરકાર પાસે લાલૂ જેવા લોકો કે જેના ઉપર કેસ હાલે છે તેમને હટાવવાની માંગણી કરે છે. પણ જ્યારે છેલ્લી વિધાનસભા ની ચૂંટણી થઇ ત્યારે આ મોરબી નાં માણસ ઉપર 3 વર્ષ થી કેસ હાલતો’તો.

આપણો જ વાંક છે. આપણા દેશ નાં નફ્ફટ રાજકારણી ઓ ને પ્રજા પૂરતા પ્રશ્નો પુછતી નથી; એટલે જ આ બધાય ‘નેતા’ ચડી બેઠા છે. જો ખેતર માં વાવેલો પાક પૂરતા પ્રમાણ માં જોતો હોય તો નિયમીત નિંદામણ કરીને નકામા છોડ કાઢવા પડે. ઇ જ રીતે જો રાજકારણીઓ પાસે સમાજ અને દેશ નું ભલું કરાવવું હોય તો નકામા લોકો ને રસ્તો (exit) દેખાડવો પડે.


Disclaimer: હું એકેય પાર્ટી નો માણસ નથી. આ લખાણ મારા પોતાનાં વિચારો ની શબ્દો માં અભિવ્યક્તિ છે.

Friday, September 23, 2005

શિક્ષક

મને લાગે છે કે હું જે રીતે ગુજરાતી બોલુ છુ તે રીતે મારે લખવુ જોઇએ. આથી હું શક્ય હોય ત્યાં સુધી કાઠીયાવાડી માં લખવાનો પ્રયાસ કરીશ.

આજ નો દિ’ થોડોક ઉદાસ છે, મારા માટે. આજે મારા પ્રોજેક્ટ સુપરવાઇઝર મારી યુનિવર્સીટી છોડી ને બીજે જાય છે. જો કે તે મારા સાહેબ તરીકે તો હજી પણ રે’સે, પણ તેમની સાથે જે રીતે છેલ્લા બે વર્ષો કાઇઢા એવો સમય તો હવે કોઇ દિ’ નહિ આવે. પી.અચ.ડી કરતા વિદ્યાર્થી અને એના સાઇબ નો સંબંધ ચઢાવ ઉતાર થી ભરપૂર છે. માસ્ટર ડીગ્રી ના ભણતર સુધી એવો સમય ભાગ્યે જ આવે છે જ્યારે વિદ્યાર્થી એના સાઇબ ની અનીચ્છા સામે થાય છે અને શાબ્દિક વિવાદ કરે છે. પણ પી.એચ.ડી ની તો વાત જ જુદી છે, ભાઇ! ઘણા લોકો કહે છે કે પી.એચ.ડી માટે સુપરવાઇઝર ની પસંદગી પણ એટલી જ અગત્ય ની છે કે જેટલી પ્રોજેક્ટ ની. જો સારા સાઇબ નો’ મળે તો જિંદગી ની પથારી ફરી જાય. હું એટલો ભાઇગસાળી કે મને જોગાનુજોગ સારા સાહેબો મળી ગ્યા; ને’તર મેં જોયા છે અમુક PhD વીદ્યાર્થી ઓ, કે જેમની હાલત બેકાર સાહેબો ને લીધે બહુ ખરાબ થઇ ગઇ છે.

મારા reflective mood ના કારણે મને વિચાર આવે છે કે મારા વિદ્યાર્થી તરીકે ના જીવન માં સૌથી મોટો ફાળો ક્યા શિક્ષક નો છે?

મારી શિક્ષિકા મમ્મી નો કે જેણે મને છઠ્ઠા ધોરણ માં ગણીત માં યુગ્મકોણ કોને કે’વાય ઇ ભુલી ગ્યો ત્યારે એક થપ્પડ માઇરી’તી. જે રોજ જમ્યા પછી ગણીત ગણવાની ફરજ પાડતી. એક સ્પેલીંગ ખોટો પડે તો દસ વાર બોલાવતી.

કે પછી, મારા હાઇસ્કુલ નાં સાહેબો કે જેઓ અલગ અલગ (અને ક્યારેક ખુબ જ રમુજી) સ્ટાઇલો થી અમને બધુ સરસ રીતે સમજાવતા?

કે પછી, મારા MSc ના સુપરવાઇઝર કે જે મને પ્રોજેક્ટ માં મદદ કરવા રવિવારે યુનિવર્સીટી માં આવતા? બધા ને ખબર છે કે પશ્ચિમ માં રવિવાર એટલે બધા કામ બંધ.

કે પછી, મારા આ પી.એચ.ડી નાં સાહેબ, કે જેમણે મારી આળસ નો બે વરસ સુધી ખુબ સારો સ્વાદ ચાખ્યા છતાં મને નીચો ઉતારી પાડવાને બદલે હમેંશા પ્રોત્સાહિત જ કર્યો?

આ બધા વિચારો પછી મને ભાન થાય છે કે મારા શિક્ષકો ની સરખામણી કરી શકાય અને તેમને માર્ક્સ આપી શકાય એવી મારી લાયકાત નથી. હું કોણ તેમને grades આપવા વાળો? બધા નો એક સરખો ફાળો છે. જો કોઇ એક નો’ હોત તો હુ આજે જ્યા છું, ત્યાં નો’ હોત.

Wednesday, September 21, 2005

Home sickness

મને યાદ છે કે હું જ્યારે મોરબી ની શાળા માં ભણતો ત્યારે જો સૌથી વધારે આતુરતા પૂર્વક કોઇ સમય ની રાહ જોવાતી તો તે શ્રાવણ થી આસો મહિના સુધી નો સમય. આ સમય એટલે અંતર ને ઉત્સાહ થી ભરી દેતો સમય. ઢગલા બંધ તહેવારો, દિવાળી નું વેકેશન, કાઠિયાવાડી મેળા, વાદળીયુ વાતાવરણ, નોરતાં ની રાતો; ગામ માં એક અલગ જ પ્રકાર નો ઉત્સાહ જોવા મળતો (કદાચ હજુ પણ મળે છે). છેલ્લા થોડા વર્ષો થી હું આ સમયે ગેરહાજર રહુ છુ. આખો વર્ષ ઘર બહુ યાદ નથી આવતું પણ જ્યારે તહેવારો નો સમય આવે ત્યારે ઘર યાદ આવવાનું શરુ થાય.

આ વર્ષે મારો દિવાળી ઉપર ઘરે જવાનો પ્લાન હતો. પણ, જો કોઇ વિદ્યાર્થી કોઇ પણ કાળે પોતાનો અભ્યસ્થાશ્રમ જલ્દી પૂરો કરવા માંગતો હોય તો તેને “મોટા” બલિદાન આપવા તૈયાર રહેવુ જોઇએ, I guess!

Wednesday, September 14, 2005

ગુજરાતી એટલે શાકાહારી?

હું ગઇકાલે મારા ગ્રીક અને બ્રિટિશ મિત્રો સાથે વાતો કરતો હતો. વાત વાત માં મેં જણાવ્યુ કે હું માંસ નથી ખાતો. ગ્રીક મિત્ર તો મારી વાત માનવા જ તૈયાર નો’તો! અંતે જ્યારે માન્યું ત્યારે કહે કે ‘તને ખબર નથી તું શું ગુમાવી રહ્યો છે!’ મારા ચાઇનીઝ સાહેબ ને પણ સમજાતું નથી કે હું શા માટે શાકાહારી રહીને મારા શરીર ઉપર ‘અત્યાચાર’ કરુ છું?

આ ચર્ચા ઉપર થી મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે હું મોરબી માં બારમા ધોરણ માં ભણતો હતો. મારા ઘર માં ઇંડા અને માંસ નું નામ લઉં તો મમ્મી ટાંટીયા ભાંગી નાખે! બજાર માં ક્યાંક ઇંડા ની રેકડી પાસે થી પસાર થવાનું આવે ત્યારે મમ્મી પોતાના નાક આડો રૂમાલ રાખી દેતી. મારે કબૂલ કરવુ રહ્યુ કે આમ્લેટ ની વાસ મને તો ‘સુગંધ’ લાગતી! મારા અમુક મિત્રો છાનામાના ઇંડા ખાતા. એક દિવસ સાંજે ટ્યુશન માં થી છુટીને તે લોકો એ આમ્લેટ ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. મારાથી પણ રહેવાયુ નહિં અને હું પણ બીતો બીતો તેમની સાથે ગ્યો. તે દિવસે ઇંડા સાથે મારી જે સુલેહ થઇ તે 9 વરસ ચાલી. અંદરોઅંદર ક્યારેક ગ્લાનિ અનુભવતો પણ ઘરે કોઇ દિવસ કહેવા માટે જીભ ઉપડી જ નહી. પણ જ્યાં જીભ ન ચાલે ત્યાં કલમ પહોંચે. મે ભારત છોડ્યા પછી મમ્મી-પપ્પા ને ટપાલ લખીને જાણ કરી. વાંચીને મમ્મી ને ખુબ દુઃખ થયું હશે, તેની મને ખબર છે. આખરે મેં જાતે જ ઇંડા નહી ખાવાનો નિર્યણ લઇ લીધો.

હું અહીં બિલકુલ દલીલ કરવા નથી માંગતો કે ઇંડા અને માંસ ખવાય કે ન ખવાય. એ તો જેવી વ્યક્તિ ની ઇચ્છા. પણ શાકાહાર જેટલો ગુજરાત માં વ્યાપક છે તેટલો કદાચ ભારત ના બીજા કોઇ રાજ્ય માં નહિ હોય (સિવાય કે રાજસ્થાન). મેં આંધ્રપ્રદેશ માં ચાર વરસ કાઢ્યા છે અને ત્યાં મારી કોલેજ ની હોસ્ટેલ માં બે શાકાહારી મેસ (mess) ની સામે ત્રણ માંસાહારી મેસ હતી. મને તો ગુજરાતી લોકો ના શાકાહાર તરફ ના લગાવ પાછળ ગાંધીજી ની ચળવળ અને જૈન ધર્મ નાં પ્રભાવ નો મોટો 'હાથ' લાગે છે.

Monday, September 12, 2005

મારું 'બીચારું' મોરબી

ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમારા મોરબી માં આવ્યા હતા, એક ગૅસ પાઇપ લાઇન નું ઉદઘાટન કરવા માટે. મોરબી માં સીરામીક કારખાનાઓ ની કમી નથી. બધા કારખાના વાળાઓ ને સસ્તુ ઇંધણ જોઇએ છે; કોઇ ને પડી નથી કે તેઓ જે ઇંધણ વાપરે છે તે મોરબી ની આસપાસ ની જમીન અને વાતાવરણ ઉપર કેટલી ખરાબ અસર કરે છે. મોરબી બીજુ અંકલેશ્વર બની જશે જો જરૂરી પગલા નહી લેવાય તો. સરકારી ઓફીસરો તો કારખાના વાળા ઓ ના હપ્તા લેવા માં થી ઉંચા આવે તો પર્યાવરણ વીષે વિચારેને?

આજ-કાલ રાજકારણીઓ ને ખબર પડી ગઇ છે કે હવે ગુજરાત ના લોકો તેમની પાસે થી બહુ વધારે અપેક્ષાઓ નથી રાખતા, કેમ કે આઝાદી પછી કેટલી અપેક્ષાઓ રાજકારણીઓ એ પુરી કરી છે તેની બધા ને ખબર છે. હા, તો આપણા ન.મો. મોરબી આવી ને બહુ મોટી મોટી વાતો કરીને ગયા: ‘મોરબી વિશ્વ નું સૌથી ઝડપ થી વિકસતુ શહેર હશે (આ ગૅસ ના પાઇપ ને લીધે)’, ‘ જ્યારે દેશ 8 ટકા નો વાર્ષિક વિકાસ દર જાળવવા ફાંફા મારે છે ત્યારે ગુજરાત નો વિકાસ દર 15 થી 16 ટકા છે’ વગેરે વગેરે...

અરે મારા ભાઇ, મોટી મોટી વાતો કરવા ને બદલે સાદી ભાષા માં એમ કેમ નથી જણાવતા કે મોરબી માં સારા રસ્તા ક્યારે બનશે? ક્યારે સરકારી નિશાળો મા નિયમીત વર્ગો ચાલશે? શું મોરબી માત્ર પૈસાવાળા લોકો માટે જ છે, કે જે પોતાના બાળકો ને પ્રાઇવેટ નિશાળો માં મૂકી શકે અથવા તમારા જેવા નેતાઓ ના પક્ષો ને ચુંટણી વખતે ફાળો આપી શકે? By the way, મોરબી માં રોજ સાંજે ખુણે ખુણે બેઠેલા ઉદ્ધંડ લોકો આવતી જતી બહેનો નું જીવન મુશ્કેલ બનાવે છે એના વિષે તમે સાંભળ્યુ છે ક્યારેય, મોદીજી? તમે જ્યારે મોરબી માં હતા ત્યારે જ ત્યાં એક દસમા ધોરણ નો વિધ્યાર્થી એક અકસ્માત માં કમકમાટી ભર્યુ મૃત્યુ પામ્યો; મોરબી ની પોલીસ ને ટ્રાફીક નીયમો નુ પાલન કેવી રીતે કરાવવું એના વિષે થોડીક માહિતી આપવી જોઇએ એમ તમને નથી લાગતુ, મુખ્યમંત્રીશ્રી?

ન.મો., ક્યારેય મોરબી નાં સરકારી દવાખાના માં આંટો માર્યો? જો માર્યો હોત, તો મોરબી ને વિશ્વ નું વિકસીત શહેર બનાવવા ની વાત કરતી વખતે તમારો આત્મા જરૂર ડંખ્યો હોત. તમને એ તો ખબર હોવી જ જોઇએ કે આ પાઇપ લાઇન જેના માટે લાવ્યા છો તે કારખાના વાળા દર વર્ષે કરોડો રૂપીયા ની કરચોરી અને વીજ ચોરી કરે છે. આ દુઃષણો કાબુ માં લાવવા માટે તમારી સરકારે કરેલા પ્રયત્નો તો જણાવો, ‘છોટે સરદાર’? મોરબી ની એન્જીનીઅરીંગ કોલેજ ના વિધ્યાર્થી ઓ ને તમે કઇ રીતે સમજાવવા માંગો છો કે 50 રૂપીયા ના ફી વધારા નાં વિરોધ માં હજારો રૂપીયા ના મોંઘા કોમ્પુટરો ની તોડફોડ ના કરાય?

'હું એક્લો કેટલું કરી શકું', એવું કહીને લૂલો બચાવ કરવાની તમને નેતાઓ ને કુટેવ છે. પણ, દરેક ક્ષેત્ર માં ‘જવાબદારી’ નામ નો શબ્દ હોય છે. જેટલી ઉંચી ખુરશી એટલી મોટી જવાબદારી, મારા સાહેબ.

Sunday, September 11, 2005

મિત્રો,
આ મારો પ્રથમ ગુજરાતી બ્લોગ છે. મે ભારતીય બ્લોગોસ્ફીઅર માં લોકો ને પોતાની માતૃભાષા માં લખતાં જોયા હતાં આથી મને પણ ગુજરાતી બ્લોગ ચાલુ કરવાનું મન થયું. હું ધવલ ભાઇ, સિદ્ધાર્થ ભાઇ અને અશોક ભાઇ નો ખુબ આભારી છુ, કારણ કે તેમના બ્લોગ્સ જોઇ ને અને ધવલ ભાઇ ના વિસ્તૃત ઇ-મેઇલ રૂપી માર્ગદર્શન થી જ હું આટલી જલ્દી બ્લોગ ચાલુ કરી શક્યો છું. Thank you, all!

જો કે ગુજરાતી સાહિત્ય માં મારી ચાંચ બહુ ડુબતી નથી! આથી, આ બ્લોગ મોટે ભાગે, મેં ગુજરાત માં વીતાવેલી જિંદગી અને ગુજરાત ને લાગતા વળગતા વિષયો ઉપર મારા વીચારો નું પ્રતીબિંબ હશે. હું મોરબી માં જન્મ્યો અને મોટો થયો છું. છેલ્લા આઠ થી નવ વર્ષ થી હું મોટે ભાગે મોરબી (અને ગુજરાત) ની બહાર જ રહ્યો છું. ગુજરાત મને ખુબ ગમે છે, જો કે દુઃખ પણ થાય છે જ્યારે ગુજરાત ને અમુક ક્ષેત્રો માં બીજા રાજ્યો કરતા પાછળ મહસુસ કરું છું.

By the way, મેં ગઇકાલે બી.બી.સી. ઉપર ગુજરાતી લોક સંગીત વિષે એક કાર્યક્રમ સાંભળ્યો હતો. તેની લીંક અહી મુકું છું. આવતા શનીવાર (17મી સપ્ટેમ્બર) સુધી તમે લોકો તેને બી.બી.સી ની વેબ સાઇટ ઉપર સાંભળી શકશો.

http://www.bbc.co.uk/radio3/worldroutes/ (Click on "Listen to the latest programme")

ચાલો ત્યારે........મળ્યાપછી. આવજો!