Monday, October 24, 2005

સાઇબ, મારું કૉમ્પુટર ગાય ખાઇ ગઇ!

હું હમેશા કોઇપણ કામ છેલ્લી ઘડી સુધી છોડી દેવા ની કુટેવ નો ભોગ બનતો આવ્યો છું. આજે આટલા બધા વરસો નાં કડવા અને ક્યારેક હાસ્યાસ્પદ અને શરમજનક પ્રસંગો માં કેન્દ્રરૂપી ભૂમિકા ભજવવા છતાં હું સુઇધરો નથી. જો કે, જેમ મારી મમ્મી હંમેશા અમારા નિરાશાજનક પરિણામો પછી પાનો ચડાવવા કહે છે, તેમ “જાગ્યા ત્યાર થી સવાર” એમ કહીને હું પણ દર વખતે નક્કી કરુ છું કે “હવે આવુ કોઇ દિ નહિં થાવા દઉ!”

પ્રાથમિક શાળામાં શિક્ષકો ઘર કામ (home work) કરવા આપતા. હું બપોરે સ્કુલે થી આવ્યા પછી રાત સુધી કાંઇ નો’ કરતો અને પછી પરાણે ઘરકામ કરતો. જો ક્યારેક કામ કઇરા વગર નિશાળે જાવુ પડે તો પપ્પા કે મમ્મી દ્વારા લખેલી ચીઠ્ઠી લઇ જાતો: “અમારે ઘરે ગઇકાલે મહેમાન આવેલ હોવાથી ચિ. હિરેન ઘરકામ કરી શકેલ નથી તો, દરગુજર કરશો”! પપ્પા પાસે ચીઠ્ઠી લખાવવી સહેલી હતી. શિક્ષિકા મમ્મી થી બીક લાગતી. આજે મને શરમ થાય છે કે મારા લીધે parents ને કેવુ ખોટું બોલવુ પડતુ.

પણ હું એકલો નો’તો. ક્લાસ માં અમુક નંગ હતા જે અવનવા બહાના બનાવતા. સાવ irresponsible જવાબ રહેતો કે “સર, ભુલી ગ્યો!” બિચારા સાઇબ પણ શું ક્યે આવા વિદ્યાર્થી ને? જો કડક સ્વભાવ નાં સાઇબ કે બેન હોય તો “ખાતા (જમતાં) કેમ નથી ભુલી જાતો, નાલાયક?” એમ કહી ને અંગુઠા પકડીને ઉભો રાખે કાં હાથ માં ફૂટપટ્ટી મારે.

જેમ અમે મોટા થતા ગ્યા, એમ બહાના પણ increased બુદ્ધિ નાં પ્રભાવ હેઠળ આઇવા. આઠમા – નવમાં ધોરણ માં પ્રયોગપોથી કે નકશાપોથી છેલ્લે દિ’ સબમીટ નો’ કરી શકવાનું સૌથી લોકપ્રિય બહાનુ : “સર, પૂરી લઇખી ‘તી, પણ સાઇકલ નાં કૅરિયર માં ભરાઇવી ‘તી ત્યાં ગાય ખાઇ ગઇ!” ગાય નું સાઇકલ પર રાખેલાં પુસ્તકો કે ક્રિકેટ નાં રબ્બર નાં દડા ખાઇ જવુ અસામાન્ય નો’તુ ,પણ અમે ઇ બહાના નો જેટલો ઉપયોગ કરતા એટલુ સામાન્ય તો નો’તુ જ.

પણ પી.એચ.ડી માં એક્ઝામિનર સામે કઇ જાત નું બહાનુ બનાવવું? (એમાં શું? કહી દેવાનું, “Dr. XYZ, મેં મારા પ્રયોગો નાં પરિણામો અને એનું પ્રુથ્થકરણ તો કઇરુ ‘તુ પણ, ત્યાં મારુ કૉમ્પુટર crash થઇ ગ્યુ and I lost them. પ્લીઝ, મને પાસ કરી દ્યો!”) ત્યાં એકેય જાત નું બહાનુ નો’ હાલે, હિરેન બેટા! કેમ કે, જો બહાના જ બનાવવા હોત તો પી.એચ.ડી. ચાલુ જ કેમ કઇરુ?

0 Comments:

Post a Comment

<< Home