Friday, November 25, 2005

ઝીણા અવાજ નો પડઘો

હું જ્યારે આંધ્ર માં એન્જીનીઅરીંગ કરવા ગ્યો ત્યારે મને આખા ભારત નાં લોકો ને જાણવાનો મોકો મ’ઇળો; કેમ કે, અમારી કૉલેજ માં 50 % બેઠકો આંધ્ર નાં વિદ્યાર્થીઓ માટે અને 50 % બેઠકો ભારત નાં બધા રાજયો નાં વિદ્યાર્થીઓ ને ફાળવવામાં આવે છે. સૌથી વધારે બેઠકો ઉત્તર પ્રદેશ માટે અને ત્યાર પછી બિહાર માટે રાખેલી (ત્યારે બિહાર અને ઝારખંડ અલગ રાજ્યો નો’તા). ત્યાં બિહારી વિદ્યાર્થીઓ જોઇ ને બિહાર ની વર્તમાન પરિસ્થિતિ થી અજાણ કોઈપણ વ્યક્તિ એમ જ માની લે કે બિહાર એ ભારત નું સૌથી વિકસીત રાજ્યો માં નું એક હશે. એમના જેવા મહેનતુ અને બુદ્ધિશાળી લોકો મારી કૉલેજ માં જવલ્લે જ જોવા મળતા, એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ જણાતી નથી.

જ્યારે આપણે ગુજરાતીઓ IIT જેવી સંસ્થાઓ માં દાખલો લેવા ડાફોળીયા મારતા હોઇએ છીએ, ત્યારે રાંચી, જમશેદપુર (અને કદાચ પટણા પણ) જેવા એક એક શહેર માં થી 100+ વિદ્યાર્થીઓ દર વરસે IITs માં જાય છે.

હું એમ નથી કહેવા માંગતો કે બિહાર માં શિક્ષણ ની તંગી નથી કે બિહાર માં કોઇ પ્રશ્ન નથી, પણ મને વિશ્વાસ છે કે પૂરી સગવડો હોય તો બિહારી ક્યાંય પાછો નો'પડે. ભારત માં literacy 65+ % છે, જ્યારે બિહાર માં 47% છે. દેશ ની 23 - 26% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે જ્યારે બિહાર માં 40% લોકો ગરીબ છે. બિહારી લોકો ની જીંદગી નાત – જાત નાં કુંડાળા માં બીજા ભારતીયો કરતા વધારે અટવાયા કરે છે. મોટે ભાગે, રાજકારણીઓ એ આ પ્રશ્નો નાં જવાબ ગોતવાનાં બદલે એમાં કેરોસીન જ રેઇડુ છે.

જ્યારે પંદર વરહ થી રાજા ની જેમ બિહાર ઉપર રાજ કરતો બદમાશ આશા નું એકપણ કિરણ પણ દેખાવા નો’તો દેતો, ત્યારે જ ગરીબ બિહારી જનતા એ - કે જેણે ભાગ્યે જ પરિવર્તન શબ્દ નો અર્થ જાણ્યો છે - આ બદમાશ ને અહિંસક અને કાયદેસર રીતે ખુરશી ઉપર થી હટાઇવો. આનાથી, મોટો ચમત્કાર શું હોઇ શકે? ગાંધીજી કહેતા કે તેઓ ઈશ્વર દ્વારા પ્રેરીત ચમત્કાર માં માને છે. એમના કહેવા મુજબ કોઇ ધુળ માં થી સોનું કાઢી બતાવે એને ચમત્કાર નો કહેવાય, પણ જ્યારે સામાજીક વર્ગ વ્યવસ્થા માં સૌથી ખરાબ પરિસ્થિતિ માં રહેલી વ્યક્તિ નાં હ્રદય માં ઉઠતાં ઝીણા અવાજ નો મોટો પડઘો પડે, ત્યારે એને ચમત્કાર જ ગણવો જોઇએ.

હવે જો આ પડઘા નો જવાબ નવી સરકાર દ્વારા પરિવર્તન થી નહિં દેવામાં આવે તો? આપણે આશા રાખીએ કે એવી સ્થિતિ ઉત્પન્ન નો’ થાય.

1 Comments:

Blogger ધવલ said...

ઝીણા અવાજનો પડઘો !! - મઝાનું શિર્ષક આપ્યું છે, લગભગ કવિતા કર્યાને સમકક્ષ !

30/11/05 22:38  

Post a Comment

<< Home