Monday, December 19, 2005

ગુજરાતીઓ નું હિન્દી

જો ગુજરાતી, ખાસ કરીને કાઠિયાવાડી, લોકો ની મશ્કરી કરવી હોય તો એમને હિન્દી માં બોલવા માટે મજબૂર કરો ! એમાંય વળી ક્યોંકી સાસ ભી કભી બહુ થી માં કેતકી દવે નાં હિન્દી એ ગુજરાતીઓ ને કુખ્યાત બનાવી દીધા છે (અરરર...).

હું જ્યારે બારમા ધોરણ પછી આંધ્ર માં ભણવા ગ્યો ત્યારે મને નો અંગ્રેજી આવડે કે નો હિન્દી બોલતા આવડે. શરુઆત માં તો મારી હાલત બહુ કફોડી થઈ’તી કેમ કે સીનીયર વિદ્યાર્થીઓ એ ragging period માં મને બીજા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે પણ હિન્દી માં વાત કરવાનો હુકમ કઈરો કે જેથી મારુ હિન્દી સુધરે. હું બધા ગુજરાતીઓ ની જેમ હિન્દી સમજુ ખરો પણ જ્યારે બોલવાનું આવે ત્યારે ફાંફા મારવા પડે. Even ચોથા વરસે પણ મારા હિન્દી માં ગુજરાતી ની એટલી છાંટ રહેતી કે હું જ્યારે હિન્દી ગીત ઊંચા અવાજે ગાતો ત્યારે મારો South Indian (!!) મિત્ર કહેતો, “હિરેન, please હિન્દી મેં ગાયા કર યાર, not in ગુજરાતી!” કાઠિયાવાડી હોવાને લીધે બીજી એક ભૂલ ‘શ’ અને ‘સ’ નાં ઉચ્ચાર માં કરતો. કૉલેજ માં ગ્યા પહેલા કોઈ દિ’ આવુ વિચારેલુ જ નહિ કે હું મુકેશ, સુરેશ ને મુકેસ, સુરેસ ની જેમ જ ઉચ્ચારું છું.

અહિં, મારો એક ગુજરાતી ભાઈબંધ પણ આ જ વાત ઉપર હસતો હતો. એનાં ઘરે એક ભારતીય બૅન્ક નો માણસ આવેલો. પુછતો હતો કે ભારત માં રહેલ ખાતા માં કેટલા રૂપીયા છે. મારા મિત્ર નાં મમ્મી ને કહેવું હતું કે થોડીક રકમ છે..એટલે હિન્દી માં બોલ્યા, ”થોડા ઘણાં હૈ!”

બીજો એક રમૂજી પ્રસંગ. મારી સાથે આંધ્ર માં ગુજરાત ની બેઠકો ઉપર આવેલ વિદ્યાર્થીઓ માં એક જણ મૂળ કેરળ નો હતો અને એના પપ્પા મોરબી માં કામ કરતા. એક વાર ઓળખાણ થઈ એટલે એ અમારા ઘરે આવેલ. હવે મારા પૅરેંટ્સ નું હિન્દી (અંગ્રેજી ની વાત નહિં કરવાની ;)) તો મારા થી પણ ખરાબ અને પે’લા કાકા ને ગુજરાતી નો’ આવડે. એટલે મારા પપ્પા ને હિન્દી માં બોલતા જોઈને હું અને મારો ભાઈ ખુબ હસતા. એટલે મારા પપ્પા પે’લા કાકા ને ક્યે, “ મુઝે ઝ્યાદા હિન્દી બોલને કી ટેવ નહિં હૈ ના, ઇસીલિયે યહ બચ્ચે લોગ દાંત કાઢતે હૈ!!” (જેમને જાણ નો હોય એમના માટે: કાઠિયાવાડ માં દાંત કાઢવુ = હસવુ)

Tuesday, December 13, 2005

થોડીક જુની વાતો

હું અને મારા મિત્રો મળીને વિચાર કરતા’તા કે આ વરસે શિયાળા માં badminton (ફૂલ રૅકેટ) રમીએ.

હું જ્યારે પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ માં ભણતો ત્યારે પણ મિત્રો સાથે શિયાળા માં badminton રમતો. રાત્રે જમ્યા પછી શેરી ની લાઇટ નીચે રમતા. મોરબી ની એન્જીનીઅરીંગ કૉલેજ માં એક સરસ badminton court છે. દિવસે મારી શેરી નાં મોટા છોકરાંવ ત્યાં ઘણી વાર રમવા જા’તા. એક વાર સાયકલ હલાવતાં આવડી ગઇ એટલે હું પણ આ લોકો ભેગો ભેગો ત્યાં જાતો. મોરબી ની કૉલેજ નું મુખ્ય બીલ્ડીંગ એક્દમ રજવાડી લાગે. આ ઉપરાંત, કૉલેજ ગામ થી દૂર નદી કિનારે આવેલી છે આથી ત્યારે વાતાવરણ પણ એક્દમ શાંત અને પવિત્ર લાગતુ. મોટા ભાગ નાં બાંધકામ મોરબી સ્ટેટ ની માલિકી નાં હતા. ઍવું કહેવાય છે કે જ્યારે સરકાર ને કૉલેજ સ્થાપવા માટે રાજકોટ અને મોરબી માં થી પસંદગી કરવાની હતી ત્યારે મોરબી નાં રાજવી પરિવારે વિલંબ કર્યા વિના જગ્યા અને મકાનો પૂરા પાઇડા અને કૉલેજ મોરબી નાં ફાળે આઇવી.

અમે જ્યારે સાઇકલ લઇને કૉલેજ માં દાખલ થાય એટલે અલગ અલગ ડીપાર્ટમેન્ટ પસાર કરતા કરતા કૅમ્પસ નાં છેડે આવેલા badminton court માં પહોચીએ. શરુઆત માં તો ચોકીદાર court ને તાળુ મારતા નહિ પણ અમારી visits વધતી ગઇ એટલે તાળુ મારવા મઇન્ડા. એટલે અમે લોકો એ court ની તુટેલી બારીઓ નાં બે સળીયાઓ વચ્ચે થી ગરકીને entry મારવાનું ચાલુ કઇરુ! દર વખતે કાંઇ નવુ ફૂલ લેવાના પૈસા રહેતા નહિ. પણ, કૉલેજ નાં વિદ્યાર્થીઓ ફૂલ નાં એક-બે પીંછા તુટી જાય એટલે એને court માં જ ફેંકી દેતા. આથી, court માં જતાં ની સાથે જ અમારા લોકો ની વચ્ચે હરિફાઈ થાતી કે કોણ વધારે ફૂલ ભેગા કરી લ્યે કે જેથી રાત્રે ઘરે રમી શકાય.

હવે, આ court ની બાજુ માં જ બંધ પડેલો એક swimming pool હતો. ઘણા વરસો પહેલા કો’ક વિદ્યાર્થી નાં ડૂબી જવાથી બંધ થઇ ગ્યો’તો. અમે આ pool માં પણ, એનાં થોડાક તુટેલા બારણાં માંથી પસાર થઇને, બે વાર આંટો મારી આઇવા! એક વાર ચોકીદાર અમને પકડવા અમારી પાછળ થ્યા’તા. તેમને એવો ભય કે જો આ છોકરાંવ abandoned buildings માં જાય તો કદાચ વિજળી નાં તુટેલા તાર ને અડી જાય તો અકસ્માત થઇ જાય. પણ, અમે તો નાસમજ હતા. આ બધુ અમને તો સાહસપૂર્ણ લાગતું! આવી જ રીતે રાજવી પરિવાર નાં મહેલ નાં પટાંગણ માં પણ આંટો મારી આઇવા છીએ.

Wednesday, December 07, 2005

ઘર માં જ પારકા

ધારો કે જ્યાં તમારું ઘર છે, જ્યાં સદીઓ થી તમારા પૂર્વજો વસવાટ કરતા આવ્યા છે, જે જગ્યા ને છોડીને જગત માં ક્યાંય તમારા થી કોઈ પણ કાળે જઈ શકાય એમ નથી, એવો એક દેશ છે. ત્યાં કદિપણ તમારી સાથે એવુ ભેદભાવ પૂર્ણ વર્તન કરવામાં નથી આવ્યુ, જે કાયદેસર હોય.

હવે અચાનક જ દેશ નું બંધારણ બદલવામાં આવે છે અને તમારી “community” સાથે ભેદભાવ રાખતાં કાયદા અમલ માં આવે છે. જે જગ્યા સિવાય બીજી જગ્યા ને તમે ‘ઘર’ માની શકો એમ નો’ હોય, ઇ જ જગ્યા ની સરકાર તમને પારકા ગણે છે. કેમ, ભાઈ?...... કેમ કે, તમે બીજો ‘ધરમ’ પાળો છો! આથી, તમે કોઈ દિ’ તમારા જ દેશ નાં વડા નો’ થઈ શકો, શાળાઓ માં તમારા ધરમ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે કેમ કે તમારા દુશ્મન દેશ નાં મોટા ભાગ નાં લોકો તમારા જેવો જ ધરમ પાળે છે. એવી પરિસ્થિતિ માં ઉત્પન્ન થતી ગૂંગળામણ ની કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. પણ, સાથે સાથે એક વાત નો ગર્વ પણ છે કે મારા દેશ નાં ઘડવૈયાઓ એ આવા અમાનવીય વિચારો નો પડછાયો પણ બંધારણ પર પડવા નથી દીધો અને વિશ્વાસ છે કે ભવિષ્ય માં પણ નહિ પડવા દે.

Weekend ઉપર એક લેખ વાંઇચો, એના ઉપર થી જ આ પૉસ્ટ લખવાનો વિચાર આઇવો.