બારમા ધોરણ માં ભણતા વિદ્યાર્થી અને શિયાળો. મને શિયાળા માં જો સૌથી વધારે કાંઇ યાદ આવતું હોય તો મારું બારમુ ધોરણ. બહુ કઠીન સમય હતો, પણ તો ય આજે ખુબ miss કરુ છું.
સવારે છ વાગે બાયોલોજી નું ટ્યુશન રહેતું. મમ્મી પોણા પાંચ વાગે ઉઠાડે. હું ન્હાઈ ને તૈયાર થાઉ ત્યાં સુધી માં ચા અને ભાખરી તૈયાર હોય. ક્યારેક ક્યારેક બાજુ ની સોસાઈટી માં થી બે ભાઈબંધો એક બજાજ સન્ની પર તેડવા આવી જાય 5.35 વાગે. જો ઇ નો આવે તો મારે સમજવાનું કે મારે જઇ ને એમાંથી એક કુમ્ભકર્ણ ને ઉઠાડવો પડશે અને બીજો કુમ્ભકર્ણ શિયાળા ની સવારે સૌથી વધારે કિંમતી વસ્તુ (રજાઈ કે ગોદડું) ને છોડવા માંગતો નથી. એટલે હું સ્વેટર, ટોપી, મફલર, હાથ-મોજાં અને શુઝ પહેરીને મારી સાઇકલ કાં લ્યુના ઉપર રવાના થાવ.
પહેલા મિત્ર નાં ઘર નાં ફળીયા માં જઇ ને એના રૂમ ની બારી ખખડાવુ. કેમ કે એનાં ઘર નાં બીજા લોકો એટલા વહેલા ઉઠતા નહિ (ઉનાળા માં તો બારી ખુલ્લી રહેતી હોવાથી ફળીયામાં નાં ઝાડ ઉપર થી પડેલા જાંબુડા મારીને ઉઠાડતો!!) આ ભાઈ ને ન્હાવા નું કે નાસ્તા નું કાંઈ ઠેકાણું નહિ; એટલે ઇ તો મોઢું ધોઇને મારા ભેગો કાં એની સાઈકલ ઉપર હાલવા મંડે કાં અમે બેય એના/મારા લ્યુના ઉપર હાલતા થાય. શેરી નાં કૂતરાં પણ ઘણી વાર અમારી વાંહે થાતા.
થોડા મહિના માટે, ગુજરાત માં એક કલાક નો વિજળી-કાપ રહેતો. આથી, ટ્યુશન નાં સાઇબ બ્લૅકબોર્ડ પાસે એક ઇમરજન્સી લાઇટ રાખતા. મારા ભાઇબંધ જેવા અમુક નંગ સાવ પાછળ ની લાઇન માં ભીંત ના ટેકે બેસતા કે જ્યાં આ લાઇટ નો પ્રકાશ નો’પહોંચે. સાડા છ વાગે વિજળી ગૂલ થાય એટલે back-benchers ની ઉંઘ નો બીજો રાઉન્ડ શરુ થાય !! સાત વાગવામાં પાંચ મીનીટ ની વાર હોય ત્યારે સાઇબ હાજરી પૂરે એટલે અમે જાગ્રૂત લોકો આ ઉંઘણશીઓ ને ઉઠાડતા!!
જાન્યુઆરી સુધી તો આ રીતે હા’ઇલુ પણ પ્રિલિમીનરી પરિક્ષા માં નિરાશાજનક પરિણામ આઇવુ એટલે મમ્મી-પપ્પા એ મને gear બદલવાનું કીધુ. હવે મમ્મી એ સવા ત્રણ વાગે ઉઠાડવાનુ શરુ ક’ઇરુ, વાંચવા માટે. ક્યારેક તો મને શેરી નાં કૂતરા અને ભૂંડ ની પણ ઇર્ષા થાતી: એમને કાંઈ ચિંતા ખરી? નહિં કોઇ પરિક્ષા અને નહિં કોઇ ઉઠાડવા વાળુ. મને ત્યારે ઉઠાડતી વખતે અનુભવાતી ગ્લાનિ ને આજે પણ મમ્મી યાદ કરે છે.
મારા એક સાઇબ સાચુ જ કહેતા,” શિયાળાની સવારે બે જ જાત નાં લોકો દેખાય, (1) દુધવાળા અને (2) ધોરણ. 12 વિજ્ઞાન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ!”